ભારતના સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં સીમા વર્સેસ અશ્વિની કુમાર કેસમાં તમામ રાજ્યોને લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવા માટે સૂચના આપી હતી. જો કે રજિસ્ટ્રેશન ન હોવાનો અર્થ એ નથી કે લગ્ન અમાન્ય છે, પરંતુ કાયદાકીય રીતે લગ્ન થયાનો સત્તાવાર પુરાવો રજૂ કરવો મુશ્કેલ બની શકે છે. ભવિષ્યમાં પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ, મિલકતનો કેસ અથવા અન્ય કાનૂની પ્રશ્ન ઊભો થાય, ત્યારે લગ્ન સાબિત કરવા માટે વધારાના દસ્તાવેજો અને સાક્ષીઓની જરૂર પડી શકે છે.

જો દંપતી વિદેશમાં નોકરી, અભ્યાસ અથવા સ્થાયી થવાનું આયોજન કરી રહ્યું હોય, તો મેરેજ સર્ટિફિકેટ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની જાય છે. પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું હોય, સ્પાઉસ વિઝા મેળવવો હોય અથવા ફેમિલી વિઝા માટે અરજી કરવી હોય, ત્યારે લગ્નનું પ્રમાણપત્ર જરૂરી બની શકે છે. ઘણા દેશોમાં ડિપેન્ડન્ટ અથવા ફેમિલી વિઝા માટે મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત દસ્તાવેજોમાં સામેલ હોય છે. આવી સ્થિતિમાં રજિસ્ટ્રેશન ન હોવાને કારણે સમગ્ર પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ બની શકે છે.