ભારતીય રોકાણકારોમાં હવે માત્ર સ્થાનિક શેરબજાર સુધી મર્યાદિત રહેવાનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ રોકાણકારોનું આકર્ષણ ઝડપથી વધ્યું છે. આવા ફંડ્સ દ્વારા અમેરિકા, તાઇવાન અને અન્ય વિકસિત દેશોની જાણીતી કંપનીઓમાં સરળતાથી રોકાણ કરવાની તક મળે છે, જેના કારણે રોકાણમાં વૈવિધ્ય પણ આવે છે.
જો તમે ટેક્નોલોજી, સેમિકન્ડક્ટર અને વૈશ્વિક સ્તરે ઝડપથી વિકસતા સેક્ટર્સમાં રોકાણ કરવા માંગતા હોવ, તો કેટલીક ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ સારો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં કેટલાક ગ્લોબલ ફંડ્સે રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન આપીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
Nippon India Taiwan Equity Fund Direct Growth એ છેલ્લા એક વર્ષમાં અંદાજે 201.47 ટકાનું રિટર્ન આપ્યું છે. આ ફંડ મુખ્યત્વે તાઇવાનની ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓમાં રોકાણ કરે છે. તેમાં MediaTek, Chroma ATE, MPI Corporation અને Delta Electronics જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ ફંડમાં ₹500થી રોકાણ તેમજ ₹100ની માસિક SIP શરૂ કરી શકાય છે.
બીજી તરફ Motilal Oswal Nasdaq 100 FoF Direct Growth એ એક વર્ષમાં લગભગ 87.33 ટકાનું રિટર્ન આપ્યું છે. આ ફંડ અમેરિકાની Nasdaq 100 ઇન્ડેક્સની અગ્રણી કંપનીઓમાં રોકાણ કરે છે. જ્યારે Edelweiss US Technology Equity FoF Direct Growth એ છેલ્લા એક વર્ષમાં 35.66 ટકાનું રિટર્ન આપ્યું છે. તેમાં Alphabet, Nvidia, Broadcom, Intel અને Lam Research જેવી ટેક્નોલોજી કંપનીઓનો સમાવેશ થાય છે. જોકે, આ તમામ ફંડ્સમાં જોખમનું સ્તર 'Very High' હોવાથી રોકાણ કરતા પહેલા પોતાની નાણાકીય જરૂરિયાતો અને જોખમ સહન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. ભૂતકાળનું પ્રદર્શન ભવિષ્યમાં સમાન રિટર્નની ખાતરી આપતું નથી. કોઈપણ રોકાણ કરતા પહેલાં નાણાકીય સલાહકારની સલાહ લેવી યોગ્ય રહેશે.

