ભાવનગર શહેરમાં આગામી સમયમાં યોજાનારી અષાઢી બીજની પરંપરાગત રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા આશયથી ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં ભવ્ય ફૂટ પેટ્રોલિંગ (કોમ્બિંગ) યોજીને સુરક્ષા વ્યવસ્થાની આકરી કવાયત હાથ ધરવામાં આવી છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અત્યારથી જ સજ્જ બની છે.

પોલીસ પેટ્રોલિંગમાં..કાયદો-વ્યવસ્થા પર નિયંત્રણમા !

રથયાત્રાના રૂટ અને શહેરના આંતરિક વિસ્તારોની સુરક્ષા ચકાસવા માટે ભાવનગર પોલીસ દ્વારા મોતીબાગ ટાઉનહોલ ખાતેથી ફૂટ પેટ્રોલિંગની શરૂઆત કરવામાં આવી હતી. આ પેટ્રોલિંગ મોતીબાગથી શરૂ થઈને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હલુરિયા ચોક સુધી પહોંચ્યું હતું. ખાસ કરીને રથયાત્રાના માર્ગમાં આવતા તમામ સંવેદનશીલ અને અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કાફલાએ પગપાળા ભ્રમણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સઘન સમીક્ષા કરી હતી.

પોલીસનો કાફલો સતત પેટ્રોલિંગમાં, રાખી રહ્યાં છે સ્થિતી પર નજર !

આ ફૂટ પેટ્રોલિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ અને એસ.આર.પી.ના જવાનો જોડાયા હતા. પોલીસે સ્થાનિક વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધીને સુરક્ષાનો અહેસાસ કરાવ્યો હતો, જ્યારે બીજી તરફ કાયદો હાથમાં લેનારા અસામાજિક તત્વોમાં પોલીસના આ કાફલાને જોઈને ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ભાવનગર પોલીસના આ સરાહનીય પગલાથી રથયાત્રા પૂર્વે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણ ઊભું થયું છે.